સંસ્થાકીય હત્યાઓ અને તેનો ઉકેલ

આજકાલ કરતાં રોહિતની હત્યાને એક વર્ષ થયું.આ સમગ્ર વર્ષ ન્યાયરહિત અને અન્યાયથી ભરપૂર રહ્યું છે અને રોહિતની સાથે સાથે નજીબની વાત પણ માધ્યમોમાં ચર્ચાઈ રહી છે. એક જીવતો જાગતો વિદ્યાર્થી નજીબ ૯૪ દિવસથી ગાયબ છે અને હજી સુધી દિલ્હીની પોલીસ એને શોધી શકી નથી. રોહિત વેમુલા કેસની સૌથી મોટી ઉપલબ્ધિ જો ગણવી હોય તો એ ગણી શકાય કે આ કેસ થકી બહુ લાંબા સમયે ભારતીય સમાજવ્યવસ્થાનાં બ્લડ કેન્સર સમાન જાતિવાદનો મુદ્દો મેઈનસ્ટ્રીમ મિડીયામાં ચર્ચામાં આવ્યો. અલબત્ત, એ ચર્ચા કોઈ નક્કર વિમર્શ બનતી દેખાઈ નહીં અને એક જીવતો જાગતો માણસ મર્યો ત્યારે છેક આટલી વાત થઈ શકી એ આપણી કરૂણતા જ ગણવી પડે. હૈદરાબાદ યુનિવર્સિટીનાં રિસર્ચ સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યાનો કેસ કદાચ કદીય ઉકેલાવાનો નથી. કાયદાની ભાષામાં જેને ન્યાય કહેવાય છે એ એને કદી મળશે કે નહીં એ આપણે જાણતા નથી પણ વાત ફકત કાયદાકીય ન્યાયની નથી, સામાજિક ન્યાયની પણ છે. મલયાલમ ભાષાનાં જાણીતા ભારતીય કવિ કે. સચ્ચિદાનંદે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં રોહિત વેમુલાની આત્મહત્યાને ઈન્સ્ટીટ્યુશનલ મર્ડર યાને કે સંસ્થાકીય હત્યા ગણાવી હતી. આરોપો-પ્રતિઆરોપો, દુઃખ-હતાશાઓ અને રાજકીય હુંંસાતુંસી વચ્ચે જેનાં પર ધ્યાન આપવા જેવું છે એ શબ્દ છે ઈન્સ્ટીટ્યુશનલ મર્ડર. સરળ ભાષામાં સંસ્થાકીય હત્યા કે સિસ્ટમ દ્વારા થયેલી હત્યા.

વાત મૂળે બે ઈન્સ્ટીટ્યુટ યાને કે સંસ્થાની છે. પહેલી સંસ્થા સામાજિક-ધાર્મિક છે. એનું નામ છે વર્ણ-જાતિ સંસ્થા. થાનગઢ હોય કે હૈદરાબાદ, બદાયું ગેંગ રેપ હોય કે ઉનાની ઘટના, તમામ સ્થળે આ સંસ્થા હાજર છે. અનેક બળાત્કારો, હત્યાઓ, બહિષ્કાર, અપમાનો કે પછી આત્મહત્યાઓ વગેરેમાં આ સિસ્ટમ પૂર્ણ રીતે કે આંશિક રીતે સામેલ છે અને હતી એવું અનેક રીતે સાબિત થયું છે પણ એને ફાંસી આપી શકાતી નથી, આજીવન કારાવાસ કે તડીપાર કરી શકાતી નથી. આ સિસ્ટમ એક માયાજાળ જેવી છે. એમાં છેક નીચે અને છેક ઉપર સિવાય વચ્ચેનાં તમામ પાસે એક ઊતરતા અને ચડતા ક્રમનો સમૂહ છે અને દરેક સમૂહ પોતાનાથી ઊતરતા સમૂહ પર પોતાની પકડ જમાવી રાખવા મથે છે. ક્રમ જેટલો વધારે ઊતરતો એટલી જ શોષણની સંભાવનાઓ વધારે એવો આ સિસ્ટમનો નિયમ છે. એટલે જ ઊતરતા ક્રમમાં ઈન્સ્ટીટ્યુશનલ્સ મર્ડસ-રેપ-બોયકોટ વગેરે વધારે થાય છે. મતલબ, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, અન્ય વંંચિતોને આ સિસ્ટમ વધારે કનડે છે અને ચડતા ક્રમમાં ઉચ્ચવર્ગને વધારે ફાયદાકારક બની રહે છે. રોહિત વેમુલા કે એના જેવા અનેક કેસનો સામાજિક ન્યાય એ આ સિસ્ટમને નેસ્તોનાબુદ કરવામાં રહેલો છે. ભારતીય બંધારણ ઉદાર છે. એ દરેકને નાગરિકને વ્યકિત સ્વાતંત્ર્ય આપે છે. રોહિત કે એના જેવા અનેક કેસમાં જવાબદાર કાસ્ટ સિસ્ટમને પણ આ આઝાદીનો લાભ મળે છે. જાતિસમૂહો-સંગઠનો ઉભા થાય છે અને એ પોતપોતાની જાતિનાં હિતોને પોષે છે. તમે કદી મહેસાણા જિલ્લા વિદ્યાર્થી છાત્રાલય કે કચ્છ જિલ્લા છાત્રાલય એમ સાંભળ્યુ છે ? ના. નહીં જ સાંભળ્યુ હોય. તમે જુઓ છો શું, મહેસાણા જિલ્લા વણકર સમાજ-ચમાર સમાજ કે ત્રિવેદી-ચતુર્વેદી-પટેલ-વાણિયા સમાજ વગેરે, કે પછી કચ્છી લોહાણા સમાજ છાત્રાલય-સોની સમાજ છાત્રાલય કે રાજપુત સમાજવાડી વગેરે. બેશક આવા તમામ સમાજ, એમના નાતપરગણાઓ એ તમામ અભિવ્યકિતની આઝાદીનો જ લાભ મેળવીને વિકસે છે. એ કાસ્ટ સિસ્ટમ પ્રમાણે પોતપોતાની કાસ્ટનું ધ્યાન રાખે છે. કયાંક એમાં પ્રવર્તમાન કુરિવાજાને સુધારવા મથે છે એ ખરુ પણ અંતે તો એક રીતે એ આ સિસ્ટમને જ પોષે છે. આ રીતે માયાજાળ સમી જાતિવ્યવસ્થા આધુનિક સ્વરૂપે જળવાય છે અને જયારે જયારે ચડતા કે ઊતરતા ક્રમ વચ્ચે સંઘર્ષ કે તણાવ ઉભો થાય છે ત્યારે ત્યારે ઈન્સ્ટીટ્યુશનલ્સ મર્ડર થાય છે. આગળ કહ્યું એમ મોટેભાગે એ મર્ડર ઊતરતા ક્રમમાં અને વ્યવસ્થામાં છેલ્લે હોય એનાં જ વધારે થાય છે.

તો, રોહિત વેમુલાનાં ઈન્સ્ટીટ્યુશનલ્સ મર્ડર કેસનો સામાજિક ન્યાય શું હોઈ શકે ? ગામમાં કુદરતી સંસાધનો પર કબજા અને ઉપયોગથી લઈને મધ્યાહ્નન ભોજન સુધીનો જાતિવાદ જાય તો આવા મર્ડર ન થાય. હજારો પ્રકારનાં જાતિ અને પેટાજાતિ સંગઠનોએ ઉભી કરેલી વ્યવસ્થાઓ જાતિને આધારે નહીં પણ ફકત માનવીય અભિગમને આધારે દરેકને સમાવે તો આનો ઉકેલ આવે. જસ્ટ ઈમેજિન, પટેલવાસમાં ચાર ઘર દલિતોનાં હોય અને દલિત મહોલ્લામાં જ ચાર રાજપુત કે બ્રાહમણ રહેતા હોય તો ! વાસ કે મહોલ્લાના નામે જે જાતિગત ઘેટ્ટોઝ ઉભા થયાં છે તે બહુસાંસ્કૃતિક બને તો સમુદાયો એકબીજાની નજીક આવે, જાતિગત પૂર્વગ્રહો ઓગળે અને આવા સંસ્થાકીય મર્ડર અટકે. પણ શું રોહિત ઈન્સટિટ્યુશનલ મર્ડર એ ફકત જાતિનો જ મુદ્દો છે ? ના. રોહિત વેમુલા કેસ એ ઈન્સટિટ્યુશનલ પોલિટિકલ સ્ટેટ સ્પોન્સર્ડ મર્ડર છે. કેવી રીતે જરા સમજીએ.

ભારતીય પ્રજાસત્તાક રાજય એ એક કલ્યાણ રાજય છે. વેલ્ફેર સ્ટેટ. રાજયની કામગીરી લોકકલ્યાણનું કામ કરવાની અને અન્યાય કે હિંસા રોકવાની તેમજ ભોગ બનનારને ન્યાય મળે તેની ખાતરીપૂર્વકની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. અલબત્ત, અત્યારે રાજય કાયદાનાં શાસનને બદલે વેપાર-ધંધામાં પડેલુ વધારે દેખાય છે, એથી જ તો દેશનાં મહત્તવનાં સવાલો પર ચર્ચાસત્રોને બદલે ધંધાકીય સમીટોની બોલબાલા વધારે છે. રાજય સરકારો આટલા કેસોમાં નાગરિકોને ન્યાય આપવામાં આવ્યો એવું ગૌરવ લેવાને બદલે અધધધ એમઓયુનાં આંકડાઓ છાપે ચડાવે છે. એક ધંધાકીય સમીટ માટે મચી પડતી આખી રાજય વ્યવસ્થા ફકત એટલા જ સમય માટે જમીન સુધારણા કરે તો દેશનાં તમામ ભૂમિહિનોનો પ્રશ્ન ઉકેલી શકાય પણ એમ બનતું નથી.

બેક ટૂ ધ પોઈન્ટ. રાજય સમાજમાંથી બન્યું છે અને સમાજ જાતિઓનો બનેલો છે. ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય એ તર્ક મુજબ ચાલીએ તો રાજય પણ જાતિઓનું બનેલું છે. અલબત્ત, આપણે જેને બંધારણીય ભારત કહીએ છીએ તે ન તો દલિત છે, ન તો બ્રાહમણ. ન તો ક્ષત્રિય છે, ન તો વૈશ્ય. પણ, અંતે તો રાજયને ચલાવનારા નેતાઓ, બાબુઓ, કર્મચારીઓ, પોલીસ, અધિકારીઓ વગેરે જાતિનાં સમૂહો છે અથવો તો જાતિસમૂહોમાંથી આવે છે અને સાથે રાજયતંત્રનાં સંચાલન અને નેતૃત્વમાં એમનાં જાતિવાદી પૂર્વગ્રહો પણ લઈ આવે છે. આની સાથે બીજી મહત્ત્વની વાત નેતૃત્વથી લઈને ન્યાયતંત્ર, શિક્ષણતંત્ર કે પછી વહીવટી તંત્રમાં નિર્ણયાત્મક સ્થાન ધરાવનારા લોકોમાં જાતિવ્યવસ્થામાં અગ્રસ્થાને રહેલા ઉચ્ચવર્ગીય લોકોની સંખ્યા ઘણી વધારે છે. આને પરિણામે જાતિ, લિંગ, રંગ, ધર્મ, વર્ણ, ભાષા વગેરેનાં કોઈ ભેદમાં ન માનનારી રાજયવ્યવસ્થામાં સડો પેસે છે. આ સડો ઊતરતાક્રમને પોલીસ ફરિયાદ કરતાં રોકી શકે છે, આ સડો ઊતરતા ક્રમનાં લોકો સાથે પીવાનાં પાણી કે કુદરતી સંસાધનોનો ભેદભાવ સામે આવતા રોકી શકે છે. ગુજરાતમાં દલિતોનાં નામે જમીનો કરવામાં આવેલી છે પણ વર્ષોથી પ્રત્યક્ષ કબજા સોંપાયો નથી એવી એક જાહેરહિતની અરજી અદાલતમાં ચાલી રહી છે, કારણ એ જ સડો. આ જાતિવાદી સડો બે કામ એક સાથે કરે છે. એક, તો એ ઊતરતા ક્રમનાં લોકોને મળવાપાત્ર હોય-કાયદાકીય-બંધારણીય હોય એવા લાભ મળતા અટકાવે છે. રોહિતનાં કેસમાં કુલપતિ પર દબાણની વાત ભૂલી જઈએ તો પણ એની સ્કોલરશિપ અટકાવી રાખવામાં આવી હતી એ વાત વિસારી શકાય એવી નથી. બીજુ, આ સડો ચડતાક્રમનાં લોકોને ગમે એવા નિર્ણય લે છે અથવા એવા નિર્ણયની તરફેણ કરે છે.

નેશનલ ક્રાઈમ રેકોડ્‌ર્સ મુજબ ૨૦૧૪માં દલિત અત્યાચારોનાં બનાવોમાં ૧૯ ટકાનો વધારો થયો હતો. આગળપાછળનો ઈતિહાસ રહેવા દઈને ૨૦૧૪ પર જ ફોકસ કરીએ તો હત્યા, બળાત્કાર, બહિષ્કાર, લૂંટ, નાગરિક અધિકારો પર તરાપ વગેરેને લગતા કુલ ૪૭,૦૬૪ બનાવો નોંધાયા હતાં. યાદ રહે, આ ફકત નોંધાયેલા બનાવોની જ વાત છે અને એમાં ૨૨૨૩ દલિત મહિલાઓ પરનાં બળાત્કાર અને ૭૪૪ મર્ડર પણ સામેલ છે. ઓન એવરેજ, દરરોજ બેથી વધારે દલિતહત્યાઓ અને ૬થી વધારે બળાત્કાર. તમને કદાચ એમ થશે કે આમાં રાજય શું કરે? પણ વાત એ જ છે. જાતિવાદી માનસિકતાનાં રંગે જયારે રાજય રંગાય છે ત્યારે સૌથી પહેલી હત્યા ન્યાયની થાય છે. ન્યાય નહીં મળવો એ ભાવના એ જયારે પંરપરા બની જાય છે ત્યારે વ્યવસ્થા પ્રત્યે નિરાશા અને પોતાનાં અસ્તિત્વના સમગ્રતયા બહિષ્કારની પીડા ઊભી થાય છે. દુનિયાનાં ઈતિહાસમાં સંસ્થાકીય સામૂહિક હત્યાનું સૌથી ક્રૂર ઉદાહરણ હિટલર છે. હિટલરે જે શુદ્ધ આર્યન લોહીની થિયરી ઉપર ગેસ ચેમ્બર્સ રચી અને સેંકડોને મોતને ઘાટ ઊતાર્યા એજ લોહીની શુદ્ધતાની થિયરી જાતિમાં પણ કામ કરે છે. આજે રોહિતનાં મોત પર જે વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે એ વિરોધ ફકત રોહિતને લીધે નથી થઈ રહ્યો. એ વિરોધ પાછળ અગાઉ ગણાવી એવી ૪૭,૦૬૪ દલિત ઉત્પીડનની અને બીજી અનેક નિરંતર બની રહેલી ઘટનાઓ છે. સંસ્થાકીય હત્યામાં રાજયની સામેલગીરી એ ફકત બે-ચાર નેતાઓનાં વાણીવિલાસને લીધે નથી થતી, રાજય ન્યાય નહીં કરીને જે અન્યાય જાળવી રાખે છે તેને લીધે થાય છે. કલ્યાણકારી યોજનાઓ ઘડવાને બદલે રાજય અન્યાયકારી યોજનાઓ રચે છે ત્યારે તેની સામેલગીરી આપોઆપ બની જાય છે. સત્તાસ્થાને રહેલો માણસ જાતિવાદી માનસ ધરાવનારને નેતૃત્વ કે સંચાલનની જવાબદારી સોંપે છે એટલે રાજયની સામેલગીરી થાય છે. મામલાને સમગ્ર રીતે તપાસ કરવાને બદલે તેને હતાશામાં ખપાવી દેવાય કે રોહિત દલિત હતો કે નહીં તેની ચર્ચા પર જ આખુ વર્ષ કાઢી નાંખવામાં આવે ત્યારે રાજય આ હત્યામાં સામેલ ગણાય જ. ધારો કે, રોહિત દલિત ન હોય તો પણ એથી કંઈ દેશનાં નાગરિક પ્રત્યેની રાજયની જવાબદારીમાં રતીભાર ફરક પડતો નથી. ગુજરાતમાં રોહિત વેમુલા કેસ પછી જે દેખાવો થયા એમાં એક માગણી થાનગઢ હત્યાકાંડનો અહેવાલ જાહેર કરવાની પણ હતી. એક તરફ ગુજરાતમાં હત્યાકાંડનો તપાસ અહેવાલ રાજયસત્તા અભેરાઈએ ચડાવી દે અને બીજી તરફ હૈદરાબાદમાં રાજયસત્તા અગાઉ નિર્દોષ છુટયા હોય તો પણ ફરી તપાસ સમિતિ રચીને પાંચ વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર તગેડી મુકે એ કોઈ સંજોગ નથી. સમાજમાં રહેલા જાતિવાદી સડાએ દુર્લભ એવી બંધારણીય લોકશાહીને કોરી ખાધી છે એનો અવ્વલ નમૂનો છે.

સ્થિતિ હતાશાજનક છે પણ આનો ઉકેલ શું ? ઉકેલ આસાન છે. માણસને જાતિ કે ધર્મ કે લિંગ તરીકે નહીં પણ સમાન રીતે માણસ તરીકે જોવો પડશે. અન્યાયનાં કેસોમાં વિનાવિલંબ ન્યાયિક વ્યવસ્થા ગોઠવવી પડે અને ખાસ તો અન્યાય વેળાઓ ભોગ બનનારની જાતિ જોયા વગર ન્યાયની બુલંદ માગણી કરવી પડે. મતલબ, રોહિત વેમુલા કે નજીબ માટે ન્યાય માગવાની જવાબદારી દલિતો કે લઘુમતીઓ સિવાયનાં લોકોએ પણ લેવી પડે. નાગરિકશાસ્ત્રને નિરસ અભ્યાસક્રમમાંથી બહાર કાઢીને પ્રાથમિક સ્તરે લઈ જવું પડે. ઘેટ્ટોઝમાં ફેલાયેલી ગ્રામ અને નગરવ્યવસ્થા ફરી રચાય અને જાતિઓ વચ્ચે તુચ્છ ગૌરવને સાથે સહભાગી સંવાદ રચાય તો પરિવર્તન આવે. આ કામ પુણ્ય કમાઈ સ્વર્ગ મેળવી લેવા જેટલું આસાન નથી. રાજયની પંથ-ધર્મ-જાતિનિરપેક્ષ નક્કર ન્યાયિક ભૂમિકા બંધાય અને સામે છેડે પાયાથી સમાજ સુધારણા થાય તો વાત બને. બાકી, ૨૦૧૯ સુધીમાં સરકાર એ સાબિત કરી દેશે કે રોહિત વેમુલા કે નજીબ નામનાં કોઈ નાગરિકો આ દેશમાં પેદા જ નહોતા થયાં એટલે તેમની હત્યાની કે ગાયબ થયાની વાત જ સાવ ખોટી છે. ડોન્ટ બી સરપ્રાઈઝ! સરકાર આવું કરી જ શકે છે.

ખુદ કા ગ્યાન
ભારતીય બંધારણ અને તેના મૂલ્યો આપણને વ્યકિત સ્વાતંત્ર્યની ખાતરી આપે છે પણ ડહાપણ તો પોતે જ પ્રાપ્ત કરવાનું હોય છે.
( ગત વર્ષે સંદેશમાં પ્રકાશિત થયેલા બે લેખ થોડી કાપકૂપ સહિત. રોહિત અને નજીબના ન્યાય માટે લડતા સાથીઓને સલામ સાથે. ફોટો ક્રેડિટ : ઈન્ડિયન એકસપ્રેસ અને હિન્દુસ્તાન ટાઈમ્સ )

Advertisements

દિવસ બીજો : એક હતાં સાવિત્રીબાઈ ફૂલે

savitribai-phule-google-doodle

સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની હિટ ગઈ હતી. એમાં વાત યોધ્ધાની લવ સ્ટોરીની હતી. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીનું સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિકતાનો ચિતાર તો મળતો હતો પણ એ સમયની સામાજિક હકીકતોનો આછકલો ઉલ્લેખ પણ નહોતો મળતો. ૧૮ સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચવર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. ઉચ્ચવર્ણીય હિન્દુઓ અછૂતો અને નીચવર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાના પગલાના નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહમણો તથા ઉચ્ચવર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈપણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમજ અન્ય રીતે શારિરીક શોષણ તો ખરાં જ. ૧૮૧૮માં પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલાઅધિકારનો વિજયધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો. સાવિત્રીબાઈ જન્મયા ત્યારે છેલ્લો પેશવા બાજીરાવ બીજો અંગ્રેજાની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓ કદી ન જન્મવુ જાઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મયા અને એ પણ શુદ્ર પરિવારમાં.

ભારતમાં સમાજસુધારણાની વાત કરવામાં આવે એટલે મોટેભાગે આપણને પાઠ્યપુસ્તકોમાંથી ગોખાવી દેવામાં આવેલા નામ જ યાદ આવે છે. રાજાઓના ઈતિહાસમાં પ્રજાની બાદબાકી થાય એમ સામાજિક સુધારણાના ઈતિહાસમાંથી પણ શુદ્રો કે નિમ્નવર્ણના લોકોની લીટી નાની કરી દેવામાં આવતી હોય છે. એટલે જ સરેરાશ સુધરેલો અને ભણેલોગણેલો માણસ પણ એમ પૂછી બેસતો હોય છે કે સાવિત્રીબાઈ કોણ ? સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકમાં મુદ્દાસર જાઈએ તો. એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. બે, સાવિત્રીબાઈ એટલે ૧ જાન્યુઆરી ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા શાળાની સ્થાપક અને પ્રથમ મહિલા શિક્ષક. ત્રણ, જેમણે સાસરીમાં આરામથી રહેવાને બદલે શુદ્રોને ભણાવવા બદલ પતિ સાથે પહેરેલ કપડે સાસરુ છોડવાનું પસંદ કર્યુ એ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ત્રણ, પેશવાઓની રાજધાની સતારા, પૂણે અને અહમદનગરમાં બીજી શાળાઓ શરૂ કરી. ચાર, સાવિત્રીબાઈ એટલે એવી સ્ત્રી કે ઘરેથી બે સાડી લઈને સ્ત્રીઓને ભણાવવા શાળાએ જતી કેમકે રસ્તામાં કટ્ટરવાદીઓ રોજ કચરો ફેંકીને એમનું સ્વાગત કરતાં હતાં ને એમાં એક સાડી બગડી જતી હતી. પાંચ, બ્રાહમણ સમાજમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવતી વિધવાઓની પડખે ઉભી રહેનાર અને એમને માટે બાલહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરનાર સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. સાવ નાની વયે વિધવા બનેલી અને મલાજાને નામે શોષણનો ભોગ બનતી છોકરીઓનાં અનેક સંતાનોની એ માતા બન્યા અને એટલું જ નહીં સમાજ જેને નાજાયજ ઔલાદ કહે છે એવા દીકરાને છડેચોક દત્તક લીધો. છ, સાવિત્રીબાઈ એટલે એટલે એ સ્ત્રી જેઓ વિધવાઓના મુંડનની ક્રૂર પ્રથા બંધ કરાવવા ઐતિહાસિક હજામ હડતાળને અંજામ આપવામાં સક્રિય રહ્યાં. ફિલ્મમાં બાજીરાવની માને માથે મુંડો કેમ હતો એવો સવાલ જા ન થયો હોય તો નોંધી લો કે એ સમયે વિધવા થયેલી બ્રાહમણ સ્ત્રીઓના વાળ અત્યંત ક્રૂરતાથી કાપી દેવામાં આવતા હતાં અથવા તો ખેંચી નાખવામાં આવતા હતાં. સાત, સાવિત્રીબાઈ એટલે પ્રથમ આધુનિક મરાઠી કવિ. ૧૮૫૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો જેનું નામ હતું કાવ્યફૂલે. આઠ, સાવિત્રીબાઈ એટલે એ કે જેમણે દેશમાં પહેલીવાર ખેડૂતો અને મજૂરો માટે રાતની નિશાળ શરૂ કરી. નવ, જેમણે પોતાના ઘરનો કૂવો અતિશુદ્રો માટે ખુલ્લો મુકયો. દસ, સાવિત્રીબાઈ એટલે સામાજિક સુધારણા માટે મથનાર સત્ય શોધક સમાજની સક્રિય કર્મશીલ. અગિયાર, ૧૮૯૭માં પૂણેમાં ફેલાયેલા ભયંકર પ્લેગ વખતે પોતે પ્લેગનો ભોગ બન્યાં એ હદ સુધી લોકોની સેવા કરનારા સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. છેલ્લે એ ઓળખાણ પણ ખરી કે મહાત્મા ગાંધી અગાઉના મહાત્મા એવા પાયાના સમાજસુધારક જાતિબા ફૂલે એ સાવિત્રીબાઈના પતિ થાય.

ભારતના લોકોએ, ઈતિહાસકારોએ અને સ્વરાજ આવ્યા પછીની સરકારોએ પણ એના ખરા સમાજસુધારકો સાથે પૂરો ન્યાય નથી કર્યો. સાવિત્રીબાઈને નામે મહારાષ્ટ્ર સરકાર સમાજસુધારણાનો એવોર્ડ આપે છે. અમુકતમુક સરકારી યોજનાઓ પણ હશે એમના નામે. છેક ૧૯૯૮માં અવસાનની શતાબ્દીએ એક ટપાલ ટિકીટ પણ બહાર પડી હતી અને હજી ગત વર્ષે જ પૂણે વિશ્વવિદ્યાલય સાથે સાવિત્રીબાઈનું નામ જાડાયું છે પણ સાવિત્રીબાઈ અને જાતિબાની સમાજસુધારણાનું વિશાળ ફલક જાતા આવી અંજલિઓ ઘણી નાની ગણાય. અફસોસ કે ભારતના આવા ખરા રત્નો જ હજીયે ભારતરત્નથી પોંખાયા નથી !

નોંધ : આજે સાવિત્રીબાઈ ફૂલે પર ગુગલે ડુડલ મુક્યુ છે તો આ લેખ સંભારણા તરીકે યાદ આવ્યો. સાદ સંવાદ કોલમ, સંદેશ અખબારમાં ૦૩-૦૧-૨૦૧૬નાં રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.

દિવસ પહેલો : સોરી ડિયર મન

તારીખ પહેલા જાન્યુઆરી. સમય રાતનાં 12 અને હું રડયો ભરપૂર મારી પત્ની આગળ. બાજુમાં સુતા દીકરાને સોરી કહ્યું અને ખબર નહીં કયારે સુઈ ગયો હું પણ. આમ તો હું ખરાબ ન કહી શકાય એવો બાપ છું છેલ્લા દસ વર્ષથી એવું હું માનુ છું. એક દીકરો છે મારે અને એનું નામ મન છે. દસ વર્ષનાં અમારા સંબંધોમાં હજી સુધી કોઈ કડવાશ, ગુસ્સો ઉભો થયો નથી પણ નવા વર્ષની શરૃઆત એનાથી જ થઈ. નિયમ પ્રમાણે રવિવારે હું ઘરે હતો અને નક્કી કર્યા મુજબ મારે મનની ટેબલ્સની ટેસ્ટ લેવાની હતી. આવી કોઈ ટેસ્ટ લેવાનો રિવાજ રાખ્યો નથી પણ છેલ્લે સ્કૂલમાં એના ટીચર મને વઢયા ભરપૂર એટલે મેં થોડું ધ્યાન આપવાની કોશિશ કરી હતી. ટેસ્ટ માટે મારા કરતાં એ વધારે ઉત્સાહી હતો અને એના કરતાં વધારે ટેન્શનમાં હું હતો કેમકે મને ગણિત સદંતર નથી આવડતું.

તો, ફાઈનલી મે જરાક મહેનત કરી અને 21 સુધીનાં ટેબલ્સને સમાવી શકાય એવા નાના-સરળ દસ સવાલો તૈયાર કર્યા. વળી, મજા કરવા માટે એના બે દોસ્તોને પણ ઘરે નોતર્યા. ઉત્સાહી મને બધા કરતા પહેલા પેપર લખી નાખ્યુ અને બધા જ જવાબ ખોટા. માર્કસમાં આવ્યુ મીંડુ. દસ વર્ષે હું પહેલીવાર મન પર ભયંકર ગુસ્સે થયો અને આ ગુસ્સા તેમજ રોકકળમાંથી ઉભી થયેલી સ્થિતિને સામાન્ય થતાં 4 કલાક લાગ્યા. અઘરા ચાર કલાક સાલા. ડરાવી ધમકાવીને કશું ન કરવું કે કરાવવું એવું હું માનું છું અને કાયમ એવું જ કરતો હોઉ છું પણ ખબર નહીં કેમ મારી છટકી આ વખતે. મારે ગુસ્સો કરવાને બદલે એવું કહેવું જોઈતુ હતું કે, ગણિત મને નથી આવડયુ કદી તો પણ હું ટકી ગયો છું જીવનમાં એમ તુ પણ ટકી જ જઈશ અને કરી લઈશ કંઈક સારુ જિંદગી સાથે-પણ એવું હું ન કહી શકયો. મારી વાર્તાઓમાં અને વિચારોમાં તોતોચાનની સ્કૂલ તોમોએ કાયમ રહેતી હતી એ આ એક પળ ખબર નહીં કયાં ભાગી ગઈ મારામાંથી. સોરી મન. સોરી મિસ્ટર કોબાયાશી સોરી તોતોચાન. સોરી ગિજુભાઈ.

ડર, ધમકી કે મારથી કશું જ શીખવી શકાતુ નથી એ પરમ સત્ય તો છે જ પણ જેમજેમ એ મોટો થઈ રહ્યો છે અને એની સાથે સાથે દુનિયા જે રીતે વિસ્તરી-વકરી રહી છે સાલુ સમજાતુ નથી કે અંકુશ શું કરવું અને કેવી રીતે કરવું? એ મોટો થઈને દુનિયા સામે હારી જશે એવો ડર લાગ્યા કરતો હોય છે અંદરખાને. દિનપ્રતિદિન દુનિયા કાતિલ બનતી જાય છે એને એટલે જ કોઈ ખાસ પ્રતિભા સિવાય 38માં વર્ષ સુધી મે જેમ જિંદગી રોડવી લીધી એમ એ રોડવી લેશે કે નહીં એવી ફિકર આખરે ગુસ્સો બની જતી હશે કદાચ. મટિરિયાલિસ્ટિક જગતમાં જીવવુ અને ઈમોશનલ હોવું એ દરેક સંબંધમાં અભિશાપ હોય છે. હું હવે ફિલોસોફીકલ થઈને મારું મન મનાવી રહ્યો છું. એ એનું ફોડી લેશે મોટો થઈને. અપ ટૂ 18 તો એ નાનો જ રહેશે અને ત્યાં સુધી નો રિપિટેશન ઓફ ધ સોરી સાગા. પ્રોમિસ મન

કદી પર્સનલ કદી પોલિટિકલ, સ્ટે ટ્યૂન.
મેહુલ મંગુબહેન